Home> Sports
Advertisement
Prev
Next

ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો લિટમસ ટેસ્ટ, આ 5 ખેલાડીઓથી રહેવું પડશે સાવધાન

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 20 સપ્ટેમ્બરથી ત્રણ મેચની ટી-20 સિરીઝ શરૂ થઈ રહી છે. ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ માટે પડકાર સરળ રહેવાનો નથી. કાંગારૂ ટીમમાં એવા કેટલાંક ખેલાડી છે જેનાથી ભારતે સાવધાન રહેવું પડશે.

ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો લિટમસ ટેસ્ટ, આ 5 ખેલાડીઓથી રહેવું પડશે સાવધાન

નવી દિલ્લી: એરોન ફિંચના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ત્રણ મેચની ટી-20 સિરીઝ રમવા માટે ભારત આવી ચૂકી છે. ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતાં બંને ટીમો માટે આ સિરીઝ ઘણી મહત્વની બનવાની છે. ખાસ વાત એ છે કે આ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાના ચાર મોટા ખેલાડી ભાગ લઈ રહ્યા નથી. જ્યાં ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરને સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે તો માર્કસ સ્ટોઈનિસ, મિશેલ સ્ટાર્ક અને મિશેલ માર્શને પણ ઈજાના કારણે સિરીઝમાંથી બહાર રહેવું પડ્યું.

ઘરઆંગણે રમવાનો ભારતને અનુભવ:
ભારતીય ટીમ પોતાના ઘરમાં રમી રહી છે. એવામાં તેનો એડવાન્ટેજ મળવો સ્વાભાવિક છે. સાથે જ કેટલાંક સ્ટાર પ્લેયર્સ વિના ઓસ્ટ્રેલિયાની ટીમ ઘણી નબળી જોવા મળી રહી છે. તેમ છતાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમનો પડકાર સરળ રહેવાનો નથી અને તેને અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડશે. કાંગારુ ટીમમાં કેટલાંક એવા ખેલાડી છે જેનાથી ભારતે સાવધાન રહેવું પડશે. ત્યારે આવા ખેલાડીઓ વિશે તમારે જાણવું જરૂરી છે.

1. ટિમ ડેવિડ:
સિંગાપુર માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી ચૂકેલ ટિમ ડેવિડ પહેલીવાર ઓસ્ટ્રેલિયાઈ ટીમમાં જગ્યા મેળવવામાં સફળ થયો છે. ડેવિડ મોટી હિટ્સ રમવામાં સરળ છે અને તેણે આઈપીએલ-2022માં મુંબઈ ઈન્ડિયન્સ માટે તેણે પરચો બતાવ્યો હતો. 6 ફૂટ પાંચ ઈંચ લાંબા ટિમ ડેવિડે 14 ટી-20 મેચમાં 158થી વધારેના સ્ટ્રાઈક રેટથી 558 રન બનાવ્યા છે.

2. પેટ કમિન્સ:
ઝડપી બોલર પેટ કમિન્સથી ભારતીય ટોપ ઓર્ડરે સાવધાન રહેવું પડશે. ટેસ્ટ અને વન-ડેની જેમ ક્રિકેટના તમામ ફોર્મેટમાં કમિન્સ પોતાનો જલવો બતાવી ચૂક્યો છે. પેટ કમિન્સની ખાસિયત એ છે કે તે નીચલા ક્રમ પર બેટિંગ કરવામાં પણ ઉપયોગી યોગદાન આપી શકે છે. પેટ કમિન્સે અત્યાર સુધી 39 ટી-20માં 44 વિકેટ લીધી છે. આ દરમિયાન તેનું બેસ્ટ પ્રદર્શન 15 રન આપીને ત્રણ વિકેટ રહી છે.

3. ગ્લેન મેક્સવેલ:
નાના ફોર્મેટમાં ગ્લેન મેક્સવેલ ઓસ્ટ્રેલિયાઈ ટીમ માટે સતત સારું પ્રદર્શન કરતો રહ્યો છે. ભારતની સામે સિરીઝમાં મેક્સવેલ શાનદાર પ્રદર્શન કરવા માટે આતુર હશે. મેક્સવેલે અત્યાર સુધી 87 ટી-20 મેચમાં 30.56ની એવરેજથી 2017 રન બનાવ્યા છે. જેમાં ત્રણ સદી અને 9 અર્ધસદીનો સમાવેશ થાય છે. તેનાથી ખ્યાલ આવે છે કે મેક્સવેલનું વિકેટ ભારત માટે કેટલી મહત્વની સાબિત થશે. એટલું જ નહીં મેક્સવેલના નામે ટી20 ઈન્ટરનેશનલમાં 36 વિકેટ પણ છે.

4. સ્ટીવ સ્મિથ:
વન-ડે અને ટેસ્ટ ક્રિકેટમાં સ્ટીવ સ્મિથનો રેકોર્ડ ઘણો સારો રહ્યો છે. પરંતુ ટી-20 ઈન્ટરનેશનલમાં તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. તેમ છતાં ભારતીય ટીમે આ અનુભવી ખેલાડીથી સાવધાન રહેવું પડશે. સ્મિથ ફોર્મમાં પાછો આવી ગયો છે અને ન્યૂઝીલેન્ડ સામે હાલની સિરીઝમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. સ્મિથે અત્યાર સુધી 57 ટી-20 ઈન્ટરનેશનલમાં 26.51ની એવરેજથી 928 રન બનાવ્યા છે. જેમાં ચાર અર્ધસદીનો સમાવેશ થાય છે.

5. એડમ ઝામ્પા:
ભારતીય બેટ્સમેનોએ લેગ સ્પિનર એડમ ઝામ્પાથી સાવધાન રહેવું પડશે. ઝામ્પા અનેકવાર વિરાટ કોહલી જેવા બેટ્સમેનને પોતાની સ્પિન જાળમાં ફસાવી ચૂક્યો છે. ઝામ્પાએ અત્યાર સુધી 62 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે અને તેના નામે 21.22ની એવરેજથી 71 વિકેટ છે. જેમાં એડમ ઝામ્પાનું બેસ્ટ પ્રદર્શન 19 રન આપીને 5 વિકેટ રહ્યું છે.

ભારત સામે ઓસ્ટ્રેલિયાની ટીમ:
એરોન ફિન્ચ, સીન એબોટ, એશ્ટન એગર, પેટ કમિન્સ, ટિમ ડેવિડ, નાથન એલિસ, કેમરન ગ્રીન, જોશ હેઝલવુડ, જોશ ઈંગલીસ, ગ્લેન મેક્સવેલ, કેન રિચર્ડસન, ડેનિયલ સેમ્સ, સ્ટીવ સ્મિથ, મેથ્યુ વેડ, એડમ ઝામ્પા

ભારત અને ઓસ્ટ્રેલિયાની સિરીઝ:
પહેલી ટી-20 મેચ - 20 સપ્ટેમ્બર (મોહાલી)
બીજી ટી-20 મેચ - 23 સપ્ટેમ્બર (નાગપુર)
ત્રીજી ટી-20 મેચ - 25 સપ્ટેમ્બર (હૈદરાબાદ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More